
વોટ્સએપના નવા Username ફીચરને લઈને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે વોટ્સએપની પેરેન્ટ કંપની Metaને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં વિગતવાર જવાબ રજૂ કરવા જણાવ્યું છે. સાથે જ સરકાર સાથેની ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારતમાં આ ફીચર લોન્ચ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારને આશંકા છે કે Username ફીચરના કારણે ઓનલાઈન ફ્રોડ, નકલી ઓળખ અને સાયબર છેતરપિંડીના બનાવોમાં વધારો થઈ શકે છે. સરકાર આ ફીચરના સુરક્ષા અને ગોપનીયતા સંબંધિત તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
નવું ફીચર ટેલિગ્રામની જેમ કામ કરશે, જેમાં યુઝર્સ મોબાઈલ નંબર શેર કર્યા વગર માત્ર Username દ્વારા વાતચીત કરી શકશે. Metaનું કહેવું છે કે આ સુવિધાથી યુઝર્સની પ્રાઈવસી વધુ મજબૂત બનશે અને અજાણ્યા લોકો સાથે નંબર શેર કરવાની જરૂર રહેશે નહીં.
જો કે, સરકારી અધિકારીઓનું માનવું છે કે કોઈ વ્યક્તિ અન્યના નામ જેવું Username બનાવી અથવા પોતાની ઓળખ છુપાવીને લોકોને ભ્રમિત કરી શકે છે. આવી સ્થિતિમાં ઓનલાઈન છેતરપિંડીના નવા કિસ્સાઓ સામે આવી શકે છે. અગાઉ ટેલિગ્રામ પર પણ ફેક Username અને નકલી પ્રોફાઈલના આધારે છેતરપિંડીના અનેક બનાવો નોંધાઈ ચૂક્યા છે.
સોશિયલ મીડિયા પર પણ આ ફીચરને લઈને ચર્ચા શરૂ થઈ છે. ઘણા યુઝર્સનું માનવું છે કે પ્રાઈવસી વધારવાનો નિર્ણય યોગ્ય છે, પરંતુ નકલી ઓળખ બનાવી લોકો સાથે છેતરપિંડી કરવાનું જોખમ પણ વધી શકે છે. હાલ સૌની નજર Metaના જવાબ અને કેન્દ્ર સરકારના આગામી નિર્ણય પર છે.
