
હિમાચલ પ્રદેશની પ્રખ્યાત અટલ ટનલ નજીક બુધવારે રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, રાત્રે આશરે 9 વાગ્યે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર ટનલમાંથી બહાર નીકળ્યા બાદ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
બેકાબૂ બનેલી કાર રસ્તા કિનારે લગાવવામાં આવેલા બેરિકેડ્સ તોડી નિર્માણાધીન માળખાના સિમેન્ટના પિલર સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે પિલરમાંથી બહાર નીકળેલા લોખંડના સળિયા કારને ચીરીને અંદર સુધી ઘૂસી ગયા હતા, જેના કારણે વાહનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વાહનની વધુ ઝડપ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.
