છોટા ઉદેપુર: ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, પાનવડમાં ડાયવર્ઝન ધોવાયું, ખેડૂતોમાં ખુશી

રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યું છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લાના તમામ સાત તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જોકે, ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓ અને ડાયવર્ઝનને નુકસાન પણ પહોંચ્યું છે.

કવાંટ, નસવાડી, બોડેલી, સંખેડા, છોટા ઉદેપુર, પાવીજેતપુર અને કદવાલ તાલુકામાં સવારથી જ ક્યાંક ધીમી તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. સારા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેડૂતો વાવણીની કામગીરીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

કવાંટ તાલુકાના પાનવડ ગામ પાસે ધામની નદીમાં પાણીનો પ્રવાહ વધતા કામચલાઉ ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું હતું. જેના કારણે માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલાક સ્થળોએ ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા.

બીજી તરફ, કરજવાટ ગામ નજીક બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી બનાવાયેલા ડાયવર્ઝન પર પણ પાણી ફરી વળ્યું હતું. જેના કારણે કવાંટ, નસવાડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અસરગ્રસ્ત બન્યો હતો. આર એન્ડ બી વિભાગ દ્વારા કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ભારે વરસાદને કારણે કવાંટના મુખ્ય બજાર, નસવાડી ચોકડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ વરસાદથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે, જ્યારે આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *